ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:43 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં છે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે, ક્વાડ લાંબા ગાળાનું ભાગીદાર જૂથ રહેશે અને દ્વિપક્ષીય વૃધ્ધિ અને સ્થિરતા માટે ભારત-પ્રશાંત દેશો સાથે જોડાણ માટે તૈયાર છે.
પ્રધાનમંત્રી મોદીની વર્તમાન ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતની મુખ્ય ફળશ્રૃતિ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પત્રકાર પરિષદમાં આમ જણાવ્યું હતું.
અમેરિકાના ડેલાવેરમાં ક્વાડ જૂથનાં નેતાઓનાં શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ મુક્ત, ખુલ્લા, સમાવેશી અને સમૃધ્ધ એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબધ્ધતા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ જણાવ્યું કે, ક્વાડ સમિટ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એવી પણ જાહેરાત કરી હતી કે ભારત 2025માં ક્વાડ નેતાઓનાં શિખર સંમેલનનું યજમાન બનશે.
ક્વાડ સંમેલન પૂર્વે પ્રધાનમંત્રીએ અમેરિકન પ્રમુખ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી અને બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળીને દ્વિપક્ષીય સહકારના વિસ્તરણ પર ચર્ચા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝ સાથે પણ મુલાકાત કરી હતી અને ભારત-ઓસ્ટ્રેલિયા સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી બનાવવા પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં, અમેરિકાએ ભારતને 297 ચોરાયેલી કળાકૃતિઓ પરત કરી છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારતને સુપ્રત કરવામાં આવશે.
દરમિયાન, પ્રધાનમંત્રી મોદી આજે ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેઓ આજે રાત્રે આધુનિક ટેકનોલોજીમાં જોડાણને પ્રોત્સાહન આપવા માટે ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ શ્રી મોદી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે.
અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે આવતી કાલે શ્રી મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. સમિટની થીમ છે- ‘વધુ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો’. તેઓ અલગથી વૈશ્વિક નેતાઓને મળીને મહત્વનાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.