પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના ત્રણ દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન કરી રહ્યા છે. આ પરિષદમાં આબોહવા પરિવર્તનથી લઈને મહત્વની ઉભરતી ટેક્નોલોજી સુધીના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત ક્વાડ જૂથના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. ભારત આવતા વર્ષે ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે.
અમેરિકાની મુલાકાતે જતા પહેલા પ્રધાનમંત્રી કહ્યું હતું કે તેઓ ક્વાડ પરિષદમાં તેમના સાથીદારો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે વાતચીત કરવા આતુર છે. તેમણે કહ્યું હતું કે આ જૂથ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમાન વિચાર ધરાવતા દેશોના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત અંગે શ્રી મોદીએ કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
ક્વાડ પરિષદમાં હાજરી આપ્યા બાદ શ્રી મોદી આવતીકાલે ન્યુયોર્ક જશે અને ભારતીય સમુદાયને સંબોધશે. તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સહિતની ઉભરતી ટેક્નોલોજીમાં બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટોચની અમેરિકી કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે.
શ્રી મોદી તેમની મુલાકાતના છેલ્લા દિવસે ત્રેવીસમી સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધી ફ્યુચર એટલે કે ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે. આ પરિષદની વિષયવસ્તુ છે – સારા ભવિષ્ય માટે બહુપક્ષીય સમાધાન.
શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:22 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસ પ્રવાસે રવાના
