પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે પારંપારિક વ્યવસાયોમાં ઉદ્યમીઓ ઉત્પાદન વધારી શકે તે હેતુથી સાડા છ લાખથી વધુ લાભાર્થીઓને અદ્યતન મશીન અને ઉપકરણો એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ઉદ્યમીઓને મળતી ત્રણ લાખ રૂપિયા સુધીની ધિરાણ સહાયની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લાં એક વર્ષમાં લાભાર્થીઓને આ યોજના હેઠળ એક હજાર, 400 કરોડ રૂપિયા અપાયા છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર સરકારની યુવાનોને વિના મૂલ્ય કૌશલ્ય વિકાસની તાલિમ આપતા આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને અહિલ્યા દેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. શ્રી મોદીએ અમરાવતી જિલ્લામાં એક હજાર હેક્ટરમાં સ્થાપનાર પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ પાર્કનો શિલાયાન્સ કર્યો હતો. આ યોજનાથી રોજગારીની આશરે એક લાખ નવી તકો ઉભી થવાની સંભાવના છે.
વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે શ્રી મોદીએ ટપાલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ખાસ ટપાલ ટિકીટનું વિમોચન કર્યું હતું. એવી જ રીતે તેમણે વિશ્વકર્મા યોજનાના એક લાખથી વધુ લાભાર્થીઓને ડિજીટલ ઓળખપત્રો અને ડિજીટલ કૌશલ્ય પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ ઉપરાંત તેમણે 75 હજારથી વધુ લાભાર્થીઓને ડિજીટલ ધિરાણ મંજુરી પત્રોનું વિતરણ કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 7:42 પી એમ(PM) | પ્રધાનમંત્રી