પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં 370મી કલમને ફરી લાગુ નહીં કરી શકે. તેમણે જણાવ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનાં એજન્ડાને લાગુ નહીં કરવા દઈએ. જમ્મુના કટરામાં એક જાહેર ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનાં જોડાણની ટીકા કરી હતી અને તેમનાં પર ભારત વિરુધ્ધ કાર્ય કરવાનો આરોપ કર્યો હતો.
અગાઉ શ્રીનગરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ લોકોને 25 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કામાં વિક્રમ સંખ્યામાં મત આપવા વિનંતી કરી હતી.
જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પૂર્વવત કરવા સંસદમાં આપેલી ખાતરીનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે, માત્ર ભારતીય જનતા પાર્ટી જ આ વચન પૂર્ણ કરી શકે છે. ગઈ કાલે પ્રથમ તબક્કાના મતદાન અંગે તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરનાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ વાર જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદનાં ઓછાયા વગર મતદાન થયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:21 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી