પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે.
શ્રી મોદી 23મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. ‘બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો’ વિષય વસ્તુ સાથે આયોજીત આ સંમેલનમાં મોટી સંખ્યામાં વૈશ્વિક નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. શિખર સંમેલનની સાથે પ્રધાનમંત્રી મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને પરસ્પર હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયનના લોકો સાથે સંવાદ કરશે.ઉપરાંત AI, ક્વૉન્ટમ કમ્યૂટિંગ, સેમિકન્ડક્ટર્સ અને બાયોટેક્નૉલૉજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાની જાણીતી કંપનીઓને સીઈઓ સાથે પણ વાતચીત કરશે.