પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશમાં આ સમય અમૃતકાળ છે, જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે.
શ્રી મોદીએ આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું.
રાજ્યના થયેલા માળખાકીય વિકાસની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશનાં વિકાસમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમની ત્રીજા કાર્યકાળમાં પ્રથમ 100 દિવસમાં દેશમાં સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે સમાજનાં તમામ વર્ગ માટે કલ્યાણ કાર્ય કર્યા છે. છેલ્લાં 100 દિવસમાં રેલ, માર્ગ, બંદર અને વિમાન વ્યવહાર અંગેનાં અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે.
શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 30 હજારથી વધુ પાકા મકાનોનાં નિર્માણને મંજૂરી આપી હતી અને આ મકાનો માટે પ્રથમ હપ્તો જમા કરાવ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી.
આ અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો હતો, જ્યાં ખુલ્લી જીપમાં બેસીને પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી અને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત હતા.
દરમિયાન, પ્રધાનમંત્રીએ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ અને અન્ય છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, નમો ભારત રેપિડ રેલ મધ્યમવર્ગનાં પરિવારોને ઇન્ટરસિટી રેલ પરિવહનની સુવિધા પૂરી પાડશે. તેમણે જણાવ્યું કે., આગામી દિવસોમાં દેશનાં અન્ય ભાગોમાં પણ નમો ભારત રેપિડ રેલ શરૂ કરવાની યોજના છે.
શ્રી મોદીએ નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પૂણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી વચ્ચે વંદે ભારત ટ્રેન તથા વારાણસીથી દિલ્હી વચ્ચે 20 કોચની વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી આપી હતી.
આ પ્રસંગે તેમણે સામખિયાળી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનનુ ચારમાર્ગી કરણ કરવા અને અમદાવાદમાં આઇકોનિક રોડ અને પુલનાં નિર્માણનો વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કર્યુ હતું.
અગાઉ, આજે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ચોથી વૈશ્વિક નવીનીકરણીય ઊર્જા રોકાણકાર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
પ્રધાનમંત્રીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે, ભારત વિકાસશીલ દેશ હોવા છતાં પેરિસમાં નક્કી કરેલી જળવાયુ પરિવર્તન અંગેની પ્રતિબધ્ધતા નવ વર્ષ પહેલાં પૂર્ણ કરી છે.
શ્રી મોદીએ યુવાનો માટે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રોજગાર અને કૌશલ્ય પ્રચંડ તક હોવાનું જણાવ્યું હતું. તેમણે તમામ હિતધારકો અને સંમેલનમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધીઓને ભારતના ઊભરતા હરિત ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી હતી.
શ્રી મોદીએ જણાવ્યું કે, જળવાયુ સમર્થક સિધ્ધાંત ભારતની પ્રતિબધ્ધતાનો મુખ્ય હિસ્સો છે, જેમાં મિશન લાઇફ એટલે કે પર્યાવરણ અનુકુળ જીવન શૈલી અને પુનઃ ઉપયોગ થનારા અર્થતંત્રની પરિકલ્પનાનો સમાવેશ થાય છે. તેમણે અયોધ્યા સહિત દેશનાં 17 શહેરોને સોલર સિટી તરીકે વિક્સાવવાની યોજના જણાવી હતી. પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં હરિત હાઇડ્રોજન સહિત વિવિધ સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રોમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો.
કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં ભારતની મહત્વપૂર્ણ પ્રગતિ પર ભાર મુકતા જણાવ્યું કે, ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં 86 ટકા વધારો હાંસલ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં અગ્રણી બનાવવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે આ સંમેલન અને પ્રદર્શનનું આયોજન કર્યું છે. ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં 40થી વધુ સત્ર હશે, જેમાં 140 દેશોનાં લગભગ દસ હજાર પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આજે રાત્રે રાજભવન ખાતે રાત્રી રોકાણ કરી આવતીકાલે સવારે ઓડિશા જવા રવાના થશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 7:33 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી