પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ડાયાલિસિસના વધુ પાંચ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે વડનગર સિવિલ હોસ્પિટલમાં 650 અને જિલ્લામાં યોજાયેલી અન્ય રક્તદાન શિબિરોમાં 1 હજાર 300 કરતા વઘુ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.
દરમિયાન, આજે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે માજી સૈનિકો દ્વારા થેલેસેમીયા પીડીતો માટે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું.