પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા આ મહિનાની ત્રીજી તારીખે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ ઇન્ટર્નશિપ પોર્ટલ આજે અરજદારોની નોંધણી માટે ખુલ્લુ મુકાશે.
ઇન્ટર્નશિપની તકો પોસ્ટ કરવા માટે કંપનીઓ માટે પોર્ટલ ખોલવામાં આવ્યું હતું. સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 1.25 લાખ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનું છે. તેનો અમલ ઓનલાઈન પોર્ટલ pminternship.mca.gov.in દ્વારા કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 800 કરોડ રૂપિયા હશે. સરકાર પાંચ વર્ષના સમયગાળામાં 21 થી 24 વર્ષની વયના એક કરોડ ઉમેદવારોને ઇન્ટર્નશીપ આપવાનું લક્ષ્ય ધરાવે છે. ઇન્ટર્નને 12 મહિના માટે 5,000 રૂપિયાની માસિક નાણાકીય સહાય અને 6,000 રૂપિયાની એક વખતની ગ્રાન્ટ મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 737 જિલ્લામાં આ તકો ઉપલબ્ધ છે. આ તકો તેલ, ગેસ અને ઊર્જા, મુસાફરી અને હોસ્પિટાલિટી, ઓટોમોટિવ અને બેંકિંગ અને નાણાકીય સેવાઓ સહિત 24 ક્ષેત્રોમાં ફેલાયેલી છે. ઉમેદવારો આજથી આ મહિનાની 25મી તારીખ સુધી પોર્ટલ દ્વારા ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકશે. ઇન્ટર્નશિપનો સમયગાળો 12 મહિનાનો રહેશે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 2:30 પી એમ(PM)
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી
