પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે તેમની દૂરંદેશી રાજદ્વારિતા, વૈશ્વિકમંચ પર વિકાસશીલ દેશોના અધિકારોનો અવાજ ઉઠાવવા, વૈશ્વિક સમુદાયની અસાધારણ સેવા અને ભારત-ગયાના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો હતો.
ગયાનાના સ્ટેટ હાઉસ ખાતે આજે એક સમારોહમાં, ગયાનાના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમ્મદ ઈરફાન અલીએ પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની મુલાકાત એ ભારત-ગયાના મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે. તેઓ ગયાના અને કેરેબિયન ક્ષેત્રના અગ્રણી ક્રિકેટરો સાથે પણ વાતચીત કરશે અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. ગઈ કાલે ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચેનાં સહકાર અંગે પ્રધાનમંત્રી મોદીએ આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ શિખર સંમેલનથી અલગ સુરિનામના પ્રમુખ ચંદ્રિકા પેરસાદ ચાન સંતોખી, ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રધાનમંત્રી ડોક્ટર કિથ રોવલીને મળ્યા હતા. તેમણે ડોક્ટર કિત સાથે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રી મોદીએ બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસ, બાર્સાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી અને સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી ફિલિપ જે પિયર સાથે પણ મંત્રણા
કરી હતી.