પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો.
ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પરિવારોને આવાસ પૂરા પાડવા, છેલ્લા પાંચ વર્ષમાં 12 કરોડ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી, 10 કરોડ પરિવારોને સ્વચ્છ રસોઈ ઇંધણ અને 11 કરોડ પચાસ લાખ પરિવારોને શૌચાલય આપવાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર પ્રથમ G20 દેશ બનવામાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી 200 ગીગાવોટ હાંસલ કરવામાં આવ્યો છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સોલર જોડાણ, મિશન લાઈફ, વન સન વન વર્લ્ડ વન ગ્રીડ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ફોર એ સસ્ટેનેબલ અર્થ જેવી વૈશ્વિક પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિકાસશીલ દેશો, ખાસ કરીને નાના ટાપુ રાજ્યોની ટકાઉ વિકાસ જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે 3જી વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં ભારત દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટને સમર્થન આપવા હાકલ કરી હતી.
ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ એ વૈશ્વિક સુખાકારી માટે ડિજિટલ તકનીકોના ઉપયોગ પર સંયુક્ત રાષ્ટ્રના સભ્યો દ્વારા બિન-બંધનકર્તા કરાર છે, જેનો હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડીને, કૃત્રિમ બુદ્ધિનું નિયમન કરીને અને પડકારોની શ્રેણીને સંબોધીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.