પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. મન કી બાતની 112મી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઑલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશના વિદ્યાર્થીઓની સરાહના કરી.
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓના ઉત્સાહ અંગે વાત કરી હતી. પહેલાંની જેમ આ વર્ષે પણ ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલૉડ કરવા પણ અનુરોધ કર્યો હતો
પ્રધાનમંત્રીએ માદક પદાર્થના દૂષણની વાત કરતાં કહ્યું કે, આવા પદાર્થો સામેની લડાઈમાં સરકારે શરૂ કરેલી માનસ સેવા અંતર્ગત એક ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે. જેના પર કૉલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે.