પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે.
અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું અનેરૂં મહત્વ છે. વેપારીઓ ચોપડા પૂજન કર્યા બાદ વેપારી કામકાજ બંધ કરશે. રાજ્યના વિવિધ મંદિરોમાં દિવાળી નિમિત્તે વિશેષ શણગાર, રોશની કરાયા છે. રાજ્યભરના મંદિરો રોશનીથી ઝળહળી રહ્યા છે.
બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. લોકોમાં ફટાકડા અને મીઠાઇ દ્વારા દિવાળી ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળ્યો. મોડી રાત સુધી લોકો નવા વસ્ત્રો, સુશોભનની ચીજવસ્તુઓ, ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.
તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા વિશેષ સંદેશ પાઠવ્યો.
Site Admin | ઓક્ટોબર 31, 2024 8:03 પી એમ(PM) | દિવાળી