પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં છે.ભારતીય ખેલાડીઓ આજે નિશાનેબાજી, રાઇફલ, બેડમિન્ટન, રેસ વોક, હોકી સહિતની રમતોમાં ભાગ લેશે. નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે પુરુષો માટેની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં અને નિખત ઝરીન 50 કિલો બોક્સિંગ સ્પર્ધામાં એશિયન ગેમ્સનાં ચેમ્પિયન વુ યુનો સામે રમશે. મહિલાઓની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં સિફ્ત કૌર સમારા અને અંજુમ મોદગિલ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે.બેડમિન્ટનના નોકઆઉટ રાઉન્ડનો પણ આજથી પ્રારંભ થશે. પી વી સિંધુ, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય પોતપોતાની સિંગલ્સ મેચ રમશે, જ્યારે સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયેલી ભારતની હોકી ટીમ પુલ બીની મેચમાં આજે વર્તમાન ચેમ્પિયન બેલ્જિયમ સામે રમશે. રેસ વોકર્સ અર્શદીપ સિંહ, વિકાસ અને પરમજીત સિંહ પુરુષોની 20 કિલોમીટર વોક સ્પર્ધામાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધી બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
Site Admin | ઓગસ્ટ 1, 2024 12:28 પી એમ(PM)