પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે. ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારાં મુક્કેબાજ લવલિના બોર્ગોહાઈન નૉર્વેનાં સુન્નીવા હૉક્સટાડની સામે રમશે. નિશાનેબાજીમાં ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રિ પોઝિશન ક્વાલિફિકેશન સ્પર્ધામાં રમશે. મહિલાઓની ટ્રેપ નિશાનેબાજી ક્વાલિફિકેશનના પહેલા દિવસે 68 પૉઈન્ટ મેળવનારાં શ્રેયસી સિંહ અને રાજેશ્વરીકુમારી ક્વાલિફિકેશન રાઉન્ડના બીજા દિવસે આજે સ્પર્ધામાં પરત ફરશે.
બેડમિન્ટન ગૃપ તબક્કામાં પુરૂષ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયનો સામનો વિએતનામના ડક ફેટ લે સાથે થશે. જ્યારે લક્ષ્ય સેન ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે રમશે. મહિલાઓના સિંગલ્સ ગૃપ તબક્કામાં પી. વી. સિંધુ એસ્ટોનિયાનાં ક્રિસ્ટીન ક્યૂબા સામે રમશે. જ્યારે મહિલાઓના સિંગલ્સમાં 32મા તબક્કામાં ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા સિંગાપોરનાં ચિયાન જેન્ગ સામે રમશે. તીરંદાજીમાં પુરૂષોના એલિમિનેશન રાઉન્ડમાં તરૂણદીપ રાય અનેમહિલાઓના એલિમિનેશન રાઉન્ડમાં દિપીકાકુમારી રમશે. મહિલાઓની 54 કિલો વજન વર્ગના 16મા રાઉન્ડની મુક્કેબાજી સ્પર્ધામાં પ્રીતિ પવાર આજે કોલમ્બિયાના એની એરિયાસ સામે સ્પ્લિટ નિર્ણયમાં 3—2થી હારી ગયાં હતાં. ભારતે અત્યાર સુધી 2 ચંદ્રક જીત્યા છે. બંને ચંદ્રક નિશાનેબાજીમાં આવ્યા છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ત્યારબાદ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં મનુ ભાકરે સરબજોત સિંહની સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM) | India | Paris Olympics