પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે.
પુરૂષ હૉકીની ક્વાર્ટર ફાઈનલમાં આજે ભારતીય ટીમ ગ્રેટ બ્રિટન સામે રમશે. આજે ભારત જીતશે તો સતત બીજી વાર ઑલિમ્પિકની સેમિ-ફાઈનલમાં પહોંચનારી ટીમ બની જશે.
નિશાનેબાજીમાં રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણ ચંદ્રક વિજેતા અનીશ ભાનવાલા અને વિજયવીર સિદ્ધુ 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલના ક્વાલિફિકેશન તબક્કા માટે રમશે. પહેલો ક્વાલિફિકેશન તબક્કો આજે બપોરે સાડા 12 વાગ્યાથી શરૂ થશે.
એથ્લેટિક્સમાં પારૂલ ચૌધરી ત્રણ હજાર મીટર સ્ટીપલચેઝના પહેલા રાઉન્ડમાં મેદાને ઉતરશે. જ્યારે પુરૂષોની લાંબી કૂદ સ્પર્ધામાં ભારતીય એથ્લિટ જેસ્વિન ઑલ્ડ્રિન આજે ક્વાલિફિકેશન રાઉન્ડમાં બપોરે અઢી વાગ્યે પોતાનું અભિયાન શરૂ કરશે.