પાટણ APMCમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તાર તેમજ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાટણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ મગફળીની આવક ચાલુ વર્ષે થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
શનિવારે માર્કેટયાર્ડમાં અંદાજીત 3500થી વધુ બોરી મગફળીની આવક થઈ હોવાની સાથે સૂકી મગફળીની સારી આવકો થતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1000થી 1130 સુધીના ભાવો મળી રહ્યા છે. જયારે લીલી મગફળીના 800થી 1000ના ભાવ મળી રહ્યા હોવાનું તેમજ આ સમગ્ર મગફળી કાઠિયાવાડની ઓઈલ મિલમાં જતી હોવાનું માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યું હતું. દિવાળીના મીની વેકેશન બાદ મગફળીની આવકમાં વધારો થશે તેવી આશા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વ્યક્ત કરાઇ છે.