પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં ગુજરાત અને પુડુચેરીએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં જળશક્તિ મંત્રાલયે આજે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યોની શ્રેણીમાં ઓડિશાએ પ્રથમ જ્યારે ઉત્તરપ્રદેશે બીજું સ્થાન મેળવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં આ પુરસ્કાર એનાયત કરશે. તેમાં નવ શ્રેણીમાં સંયુક્ત વિજેતાઓ સહિત કુલ 38 વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. દરેક પુરસ્કાર વિજેતાને એક પ્રશસ્તિપત્ર, એક ટ્રોફી અને કેટલીક શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
નવી દિલ્હીમાં આજે એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જળ વ્યવસ્થાપનનાં મહત્વ અંગે લોકોને જાગૃત કરવા બદલ વિજેતાઓની પ્રશંસા કરી. તેમણે એમ પણ જણાવ્યું કે, જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય સ્તરે જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહ્યું છે.