વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકારોથી ભરેલો છે અને તેથી વિશ્વાસપાત્ર ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ પ્લેટફોર્મ આજે આસહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ટોક્યોમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક બાદ મીડિયા સાથેવાત કરતા ડૉ. જયશંકરે સંતોષ વ્યક્ત કર્યો કે ક્વાડ વિદેશ નીતિઓ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજની બેઠક નવી દિશા આપવામાં ઘણી મદદરૂપ થશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે ક્વાડ સભ્ય દેશોના નેતાઓએ વ્યક્તિગત રીતે આ પ્લેટફોર્મના વિકાસને આગળ વધાર્યો છે. ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ક્વાડ વિશ્વસનીય ટેલિકોમ્યુનિકેશન્સ અને મેરીટાઇમ કેબલ કનેક્ટિવિટીથી લઈને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સુધીના ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સભ્ય દેશો વચ્ચે ક્વાડના સંસાધનો અને સંકલન વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે જાપાનના ટોક્યોમાં ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી જેમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ઉપરાંત જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.
Site Admin | જુલાઇ 29, 2024 2:45 પી એમ(PM) | ક્વાડ પ્લેટફોર્મ