ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. દરમિયાન સુશ્રી વેનીએ ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, આના પરિણામે બંને રાજ્ય વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાનપ્રદાન વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ન્યૂ જર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત સાથે સંપર્ક સેતુ જાળવી શકે તે માટે ઈન્ડેક્સ્ટ-બી નોડલ કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે કાર્ય કરશે.
ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નરે ગુજરાત સાથે તમામ ક્ષેત્રમાં સહયોગ અને રોકાણોની સંભાવનાઓ તેમજ ગ્રીન હાઈડ્રૉજન, પુનઃપ્રાપ્ય ઊર્જા, પવન ઊર્જા અને નવીનતાના ક્ષેત્રમાં પરસ્પર રોકાણ અને વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પીપલ ટૂ પીપલ કનેક્ટને વધુ મજબૂત બનાવવાની તત્પરતા દર્શાવતા એરિયા ઑફ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ આઈડેન્ટીફાય કરવાની હિમાયત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:25 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ