ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2024 12:18 પી એમ(PM)

printer

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્ છે. રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને જોતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ અને જામનગર વઘાડિયા ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ અલર્ટ અપાયું છે. જ્યારે સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી નવા નીર આવતા ડેમની સપાટી 16.8 ફૂટે પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં શેત્રુંજી ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો છે.
ગીર સોમનાથના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, અત્યાર સુધી સૌથી વધુ સવા 11 ઇંચ વરસાદ કોડિનાર તાલુકામાં નોંધાયો. જ્યારે સૌથી ઓછો પાંચ ઇંચ વરસાદ વેરાવળ તાલુકામાં નોંધાયો છે.
રાજકોટના સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, આઠ જળાશયોમાં નવા નીર આવતા અત્યાર સુધીમાં ફોફળ ડેમ 34 ટકા, વેણુ 2 ડેમ 41 ટકા, ન્યારી—2 ડેમ 41 ટકા, ભાદર—2 ડેમ 81 ટકા ભરાયો છે. હાલમાં આજી—2 અને ભાદર—2 ડેમનો એક દરવાજો 0.075 મીટર ખોલવામાં આવ્યો છે.
જૂનાગઢના ઓઝત-૨, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-૨ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ