નેપાળમાં વારસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 192 થયો છે, જ્યારે 50થી વધુ લોકો હજી પણ ગૂમ છે. અનારાધાર વરસાદે કાઠમંડુ ખીણ સહિત દેશના ઘણા ખરાં ભાગોમાં રોજિંદા જીવનને થંભાવી દીધું છે, એકલા કાઠમંડુમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 40 લાખથી વધુ ઘરોને અસર થવા પામી છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે ક્ષતિગ્રસ્ત શાળા અને યુનિવર્સિટીઓને તાત્કાલિક સમારકામની જરૂર છે, જેથી વિદ્યાર્થીઓ શાળા – કૉલેજોમાં પાછા ફરી શકે.
કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે બાગમતી નદી જોમખના સ્તરથી 7 ફૂટ ઉપર વહી રહી છે. કાઠમંડૂ મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે ફસાયેલી એક બસમાંથી 16 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. નેપાળના હવામાન વિભાગ અનુસાર સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે.છતાં દેશના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
આ તરફ નેપાળ અને ઉત્તરીય બિહારમાં ભારે વરસાદને પગલે બિહારમાં પણ પૂરની સ્થિતિ વકરી છે. ગંડક અને કોષી સહિતની નદીઓ ભયસ્થાનથી ઉપર વહી રહી છે. બિહારના 13 જિલ્લાઓને સૌથી વધુ અસર થવા પામી છે, પરિસ્થિતિને જોતા 11 જેટલી NDRFની ટુકડીઓ તૈનાત કરાઈ છે. તો કેન્દ્ર સરકારે પણ બિહારને શક્ય તમામ મદદ કરવાની બાહેંધરી પૂરી પાડી છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:30 પી એમ(PM)