કેન્દ્ર સરકારે નિપાહ વાઇરસને પ્રસરતો અટકાવવા તાત્કાલિક પગલા લેવા કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશનના વિવિધ પ્રતિનિધિઓનું એક જૂથ નિમાયું છે, જે કેસોની તપાસ, ઓળખ, સંપર્ક અને તકનિકી મદદ પૂરી પાડશે. આરોગ્ય મંત્રાલય અનુસાર કેરળના કોઝિકોડમાં 2023માં નિપાહ વાઇરસે દેખા દીધી હતી. ફળો ખાતા ચામાચિડિયા દ્વારા આ રોગ ફેલાય છે, આવા ચામાચિડિયા દ્વારા ખાધેલ ફળ માણસ દ્વારા આરોગતા રોગનું સંક્રમણ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે છેલ્લા 12 દિવસોમાં સંક્રમિત લોકોની તપાસ માટેની તાકીદ કરી છે, અને જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તે દર્દીને ક્વોરન્ટિન કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે કેરળના મલ્લાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસના સંક્રમણથી ચૌદ વર્ષના કિશોરનું મોત થયું છે. આ કિશોર કોઝિકોડ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો. જેને આજે સવારે હૃદય રોગનો હમલો આવતા મોત થયું હતું. કિશોરના સંપર્કમાં રહેલા અંદાજે અઢીસો લોકોમાંથી 63ને વધુ જોખમી શ્રેણીમાં લેખિત કરાયા છે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે વાઇરસને ફેલાતો રોકવા માટે જરૂરી પગલાં લેવાયા હોવાનું જણાવ્યું હતું. કેરળમાં લોકોને સજાગ રહેવા તેમજ નિયમોનું પાલન કરવા સલાહ અપાઈ છે.
Site Admin | જુલાઇ 21, 2024 7:58 પી એમ(PM)