નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેનું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું, જે ગત વર્ષની સરખામણીએ 37 હજાર 785 કરોડ જેટલું વધું છે. શ્રી દેસાઈએ જણાવ્યું કે, આ વર્ષના અંદાજ મુજબ, મહેસુલી હિસાબ પરની પૂરાંત 19 હજાર 695 કરોડ રૂપિયા રહેશે. આ સાથે એકંદર પુરાંત એક હજાર સાત કરોડ રૂપિયાની રહેશે.
મહત્વની જાહેરાત પર નજર કરીએ, અંદાજપત્રમાં એક કરોડ રૂપિયા સુધીની લૉનની રકમ માટે ગીરો ખેત પર લેવાતી સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરાતા હવે 5 હજારની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. જ્યારે વડીલો પાર્જિત મિલકતમાં પુત્રના વારસદારોની જેમ પુત્રીનાં વારસદારો માટે મહત્તમ 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. જ્યારે એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર એક ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની જોગવાઈ પણ છે, જેની જગ્યાએ રહેણાંક માટે 500 રૂપિયા અને વાણિજ્ય માટે એક હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી લેવાશે. આ તરફ ઇલેક્ટ્રિક વાહનો પર એક વર્ષ માટે 5 ટકા સુધીની રિબેટ અપાશે. જ્યારે વેરાનો દર એક ટકા રહેશે.
આગામી સમયમાં 200 નવી પ્રીમિયમ AC બસ અને 10 કારવૅન સંચાલનમાં મુકાશે. રાજ્યમાં આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરાશે. રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવાશે. જ્યારે ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઈરીગેશન વ્યવસ્થા કરાશે. જામનગર ખાતે નવી કૃષિ કૉલેજ અને બનાસકાંઠાના થરાદ ખાતે કૃષિ ઇજનેરી કૉલેજની સ્થાપના કરાશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 8:47 એ એમ (AM)
નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેનું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું
