આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. પાંચમા નોરતે મા સ્કન્ધમાતાની આરાધના કરવામાં આવે છે. માના આ સ્વરૂપને ચાર ભૂજાઓ છે તેમની જમણી બાજુની ભૂજામાં ભગવાન સ્કન્ધને ખોળે બેસાડયા છે તેઓ કમળના આસન પર બિરાજે છે તેમનું વાહન સિંહ છે માનું આ સ્વરૂપ મોક્ષદાયી છે.
રાજયભરના મંદિરોમાં માઈ ભક્તો દર્શન કરી રહ્યા છે. કચ્છના દેશદેવી માં આશાપુરાના મઢ ખાતે હજારો ભક્તો શીશ જુકાવી રહ્યાં છે.
નર્મદા જિલ્લાના એકતા નગરના સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે બે દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ સાથે ગરબા ગવાયાં હતા. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓએ એકતાના સંદેશ આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.
જામનગરની જલાની જારની પ્રાચીન ગરબીમાં માત્ર પુરુષો જ માતાજીના છંદ,દુહા અને ચોપાઈ પર ગરબી રમે છે. કોઈ પણ પ્રકારના અર્વાચીન વાજિંત્રો વગર માત્ર ઢોલ, નોબત પર રમાતી આ ગરબીમાં માઈકનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી, ગરબે રમતા ભાઈઓ જ માતાજીના છંદ, દુહા અને ચોપાઈ બોલે છે અને બાકીના પુરુષો તે જીલે છે, અંદાજે 300 થી 350 વર્ષ જૂની આ ગરબીમાં 80 વર્ષના વૃદ્ધથી લઈ અને સાત વર્ષના બાળક માતાજીની આરાધના કરે છે.