પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ કરનારા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે.
કેવાડિયાનાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સંબોધન કરતા શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર પટેલની 150મી જયંતિ આગામી બે વર્ષ સુધી દેશભરમાં ઉજવાશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી 25 વર્ષમાં વિકસીત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય એકતા મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે પાછલા દસ વર્ષમાં સરકાર પોતાની નીતિઓ અને નિર્ણયોથી રાષ્ટ્ર ભાવનાને નિરંતર મજબૂત કરી રહી છે.
શ્રી મોદીએ આજે સવારે એકતા નગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉપસ્થિતોને એકતા દિવસના શપથ લેવડાવ્યા અને એકતા પરેડના સાક્ષી બન્યા. આ વર્ષે એકતા દિવસ પ્રસંગે આયોજીત આ સમારોહમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડની 16 ટુકડીઓ સામેલ હતી. શાળાના વિદ્યાર્થીઓએનું પાઇપ બેન્ડ પણ પરેડમાં સામેલ થયું હતું.
Site Admin | ઓક્ટોબર 31, 2024 3:32 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી