દેશભરમાં 14થી 20 નવેમ્બર દરમિયાન “રાષ્ટ્રીય સહકાર સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યમાં દર ચોથો વ્યક્તિ સહકારી મંડળીનો સભાસદ હોવાનું રજિસ્ટ્રાર સહકારી મંડળીઓએ યાદીમાં જણાવ્યું છે. આ યાદી મુજબ, રાજ્યમાં અંદાજે એક કરોડ 71 લાખ સભાસદો સાથે 89 હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત્ છે. તેમજ ધિરાણ સુવિધા અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 48 લાખથી વધુ ખેડૂતોને સરકાર દ્વારા 3 હજાર 56 કરોડ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.
ઉપરાંત વર્ષ 2021થી 2024 દરમિયાન 559 ખેડૂતોને વખાર એટલે કે, ગોડાઉન બનાવવા માટે 15 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે. જ્યારે સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને મળતું લાભાંશ એટલે કે, ડિવિડન્ડ 15 ટકાથી વધારીને 20 ટકા સુધી કરાયું છે. ઉપરાંત “કિસાન કલ્પવૃક્ષ યોજના” થકી વિવિધ બજાર સમિતિઓમાં ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી. સી. રોડ, ચોતરફની દિવાલ, શૉપ કમ ગૉડાઉન વગેરે માટે પણ સહાય અપાય છે તેમ યાદીમાં જણાવાયું છે.
Site Admin | નવેમ્બર 18, 2024 3:28 પી એમ(PM)