દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઇમાં અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતાં. ભારતે વર્ષ 1974 અને 1998મા પોખરણ ખાતે હાથ ધરેલા સફળ પરમાણુ પરિક્ષણમાં ડો.ચિદમ્બરમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળ પરિક્ષણના પગલે ભારતે વિશ્વના પરમાણુ દેશોના જૂથમાં સ્થાન મેળવ્યું હતું. ડો.ચિદમ્બરમે દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના નિયામક અને પરમાણુ ઊર્જાપંચના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. વર્ષ 1975માં તેમને પદ્મશ્રી અને વર્ષ 1999મા તેમને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને તેમને અંજલી આપી છે. પ્રધાનમંત્રીએ દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર તરીકે ઓળખાવીને કહ્યું કે દેશની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતા વધારવામાં ડો.ચિદમ્બરમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:15 પી એમ(PM)