આજે દેવઉઠી અગિયારસના દિવસે રાજ્યના ઘણાં સ્થળોએ લોકમેળા યોજાઇ રહ્યા છે.
અમારા ગીરસોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પ્રથમ દિવસે એક લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મેળામાં રાઇડ્સ, હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ તેમજ વિવિધ સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ મેળામાં રાજ્યના ટોચના લોક કલાકારો દેવાયત ખવડ અને બીરજુ બારોટે પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
અમદાવાદ જિલ્લામાં સપ્તનદી સંગમ સ્થાન વૌઠા ગામ ખાતે લોકસભાના દંડક દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાના સુપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે કહ્યું કે, વૌઠાનાં લોકમેળાને સાધના અને ઉત્સવનું એક સાધન ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વૌઠાનો લોકમેળો સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, શેઢી, માઝમ અને મેશ્વો જેવી સપ્તનદીઓનું સંગમસ્થાને યોજાય છે.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે આજથી સાત દિવસ માટે કારતકી પૂર્ણિમાનો ભાતીગળ મેળો શરૂ થયો છે. આ મેળામાં 600થી વધુ પ્લોટની ફાળવણી કરીને તેમને લાઈટ પાણી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાજ્યભરમાંથી લાખો લોકો આ મેળાની મજા માણવા આવે છે.