આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની રજૂઆતો સાંભળી હતી. આરોગ્ય મંત્રીએ જિલ્લાના આરોગ્ય શાખાના અધિકારીઓ પાસેથી જિલ્લાના 11
તાલુકાઓ તેમજ ગામડાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ તેમજ આરોગ્યલક્ષી યોજનાના અમલની સ્થિતિ જાણી હતી. તેમણે રાજકોટ મહાનગર તેમજ જિલ્લામાં ટીબી નાબૂદી માટે સઘન કામગીરી કરવા સૂચના આપી હતી.