દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે.
નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.. નવસારી જિલ્લા વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઇવે, જિલ્લાના 6 મુખ્યમાર્ગ અને પંચાયતના 110 રસ્તાઓ બંધ કરાયા છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
તો ભરૂચ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં નર્મદા નદીની સપાટી ૨૩.૬૧ ફુટ પર પહોંચી છે. કાંઠા વિસ્તારોના ૪૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદીએ પણ તેની ભયજનક સપાટી વટાવી છે.
તાપી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ બંધ કરવામાં આવ્યું છે. જીલ્લા તંત્ર દ્વારા લોકોને નદીમાં માછીમારી કે કોઈપણ કામ અર્થે ન જવા માટે અપીલ કરાઇ છે..
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતની કિમ નદી ગાંડીતુર બની છે. સ્થાનિક તંત્રએ તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે..
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવાર સુધીમાં મૂળી અને ચોટીલા તાલુકામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. તો ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાનો જન્માષ્ટમીનો લોકમેળો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.. સુરેન્દ્રનગર અને વઢવાણનાં લોકમેળામાં પણ સલામતીને ધ્યાનમાં રાખીને તમામ રાઇડ્સ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. સરા અને ધ્રાંગધ્રા વચ્ચે નદીમાં ફસાયેલા બે વ્યકિતને રેસક્યું કરી સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે દ્વારકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ છે.
મહીસાગર જિલ્લામાં રાત્રી દરમીયાન સંતરામપુર તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો.. વિરપુર તાલુકામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઇ છે. સંતરામપુર- લુણાવાડા હાઇવે હાલ બંધ કરાયો છે. સંતરામપુરની ચીબોટા અને સુખી નદી બે કાંઠે વહેતી થઇ છે. લાવરી નદીમાં પુર આવતા 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો જીલ્લામાં વરસાદને કારણે પાંચ પશુઓના મોત નિપજ્યાં છે.
મહેસાણા અને વલસાડ જીલ્લામાં પણ વરસાદ વરસ્યો..
તો કચ્છ, છોટા ઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે…
તો મોરબી જિલ્લાના ટંકારા, માળિયા, હળવદ સહિતના તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો..
તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ ગઇકાલ રાતથી સતત વરસાદ વરસવાના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:25 પી એમ(PM) | વરસાદ