ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 7:06 પી એમ(PM)

printer

દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ જેવા જિલ્લાઓમાં અંતરિયાળ ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.

ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશિદ્દી જણાવે છે કે ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વિજળી પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે હાંસોટમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે દાઝી જતા ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરન જોશી જણાવે છે કે ખંભાળિયાના વિંજલપર , ભાડથર, ભટગામ માંઝા, શકિતનગર, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતને મગફળી , કપાસ સહિતના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે કચ્છના મુન્દ્રા, અબડાસા, અને માંડવીમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ નોંધાયો.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં ભારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવા વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલી સહિતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ