દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ જેવા જિલ્લાઓમાં અંતરિયાળ ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.
ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ આજે સવાર સુધી રહ્યો, આહવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વઘઈ, સુબિર તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં ભારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલી સહિતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 3:52 પી એમ(PM)