ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 3:35 પી એમ(PM) | વરસાદ

printer

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધો

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ બે ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આજે સવારે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ માણસામાં અને પોણા ત્રણ ઇંચ વરસાદ દહેગામ તાલુકામાં પડ્યો છે.
અમારા મહેસાણાના પ્રતિનિધી જણાવે છે કે, ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં 7778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમ 66 ટકા ભરાઈ ગયો છે. ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ