રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે
વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે, આવતીકાલથી 17મી
જુલાઇ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના
છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ સમયગાળામાં જમીન પર પવનની
ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
દરમિયાન, છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ 180 મીલીમીટર વરસાદ દમણમાં નોંધાયો છે.
આ ઉપરાંત, ઉમરગામ, કામરેજ, વલસાડ, નવસારી અને બોરસદ તાલુકામાં 80 મીલીમીટર,
વાપીમાં 70, ઉપલેટામાં 60, ધંધુકા, પારડી, કપરાડા, પોશીના અને ખાંભા તાલુકાઓમાં 50
મીલીમીટર જ્યારે 47 તાલુકાઓમાં 40 મીલીમીટર કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે.
આજે સવારે છ વાગ્યાથી બપોરનાં ચાર વાગ્યા સુધી રાજ્યનાં 100 તાલુકમાં હળવાથી
મધ્યમ વરસાદ પડ્યો છે.
અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધી પ્રકાશ ભીમાણી જણાવે છે કે, બોટાદ, ગઢડા,
બરવાળામાં આજે વરસાદી માહોલ યથાવત છે. બરવાળા શહેર અને તાલુકાના સાળંગપુર,
ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ, રામપરા, રોજીદ, ખમીદાણા સહિતના તાલુકા પંથકમાં ધીમીધારે
વરસાદ નોંધાયો છે. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ બાદ હળવા ઝાપટાં
પડ્યા હતા. સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
Site Admin | જુલાઇ 12, 2024 7:45 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી
