તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર
થઈ રહી છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, આજે
સવારે 8 વાગ્યા સુધીમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી
સૌથી વધુ 2 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં વર્સ્યો હતો. જ્યારે દક્ષિણ
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટ
સુધી પહોંચી છે. 21 જેટલા ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ કરવામાં આવ્યા
છે.
વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, જિલ્લાના
નીચાણવાળા વિસ્તારોમાં કૉઝ-વે સહિત નાના પૂલ સુધી પાણી ફરી
વળતા અત્યાર સુધીમાં આશરે 47 ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ કરાયા છે.
ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, વરસાદને કારણે
12 જેટલા ગ્રામ્ય માર્ગ અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે વાહનચાલકો,
રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો
ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે,
મોડાસા, ભિલોડા, મેઘરજ સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી
રહ્યો છે. માજૂમ જળાશયમાં હાલ જળસપાટી 153 મીટરે પહોંચી ગઈ છે.
મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે, મચ્છુ—3
ડેમમાંથી પાણીની આવક શરૂ થતાં વધારાનું પાણી નદીમાં છોડવાની
જરૂરિયાત સર્જાતા નીચાણવાળા ગામના લોકોને ચેતવણી આપવામાં
આવી છે.