ઝારખંડ અને મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત નિશ્ચિત કરવા તમામ કાર્યકર્તાઓના વંદન-અભિનંદન કર્યા હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં સોલાપુર, પુણે અને સાંગલીમાં પ્રચાર કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરોલી,ચંદ્રપુર, મુંબઈ અને પુણેમાં પ્રચાર કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બે રેલીઓને સંબોધશે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા ત્રણ રેલીઓનું નેતૃત્વ કરશે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પોતાના રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માટે સોલાપુર, પુણે અને નાસિકમાં પ્રચાર કરશે. જ્યારે વરિષ્ઠ નેતા શરદ પવાર પોતાના રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માટે સતારા અને રાયગઢમાં પ્રચાર કરશે તો સાંસદ સુપ્રિયા સુલે પુણેમાં અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુંબઈ અને થાણેમાં પ્રચાર કરશે.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ -NDA અને ઇન્ડિ ગઠબંધન બંને જૂથોના રાજકીય આગેવાનો તેમના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે દુમકા, દેવઘર અને ધનવરમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જામતારા અને ખિજરીમાં જાહેરસભાઓ કરશે.
ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યભરમાં છ રેલીઓને સંબોધિત કરશે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ ગોડ્ડા ખાતે સભાને સંબોધશે. ભાજપના નેતા મિથુન ચક્રવર્તી દુમકા અને જામતારામાં રેલીઓ યોજશે. જ્યારે શિવરાજસિંહ ચૌહાણ, હિમંતા બિસ્વા સરમા અને ચંપાઈ સોરેન સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ NDA ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. AJSU પાર્ટી અને ડાબેરી પક્ષોના નેતાઓ ઝારખંડના વિવિધ ભાગોમાં રેલીઓ અને રોડ શો યોજશે. મતગણતરી આ મહિનાની 23 તારીખે થશે.
Site Admin | નવેમ્બર 16, 2024 2:52 પી એમ(PM) | ચુંટણી