ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે. આ તબક્કામાં 43 વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે મતદાન થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક પોતપોતાના ઉમેદવારોના પક્ષમાં સમર્થન મેળવવા મતદારોને રિઝવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી બપોરે ઝારખંડમાં પક્ષના કાર્યકર્તાઓના “મેરા બૂથ સબ સે મજબૂત” કાર્યક્રમને સંબોધિત કરશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ મુખ્યમંત્રી ચિમ્પઈ સૉરેનના સમર્થનમાં આદિત્યપુરમાં આવેલા ફૂટબૉલ મેદાન ખાતે રેલી યોજશે.
આ તરફ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પન્કી અને છતરપૂર વિધાનસભા મતવિસ્તારમાં 2 ચૂંટણી રેલી યોજશે. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સૉરેન હુસ્સેનાબાદ, સરાઈકેલા, ઈછાગઢ અને સિલિ મતવિસ્તારમાં સભાઓ સંબોધશે.
Site Admin | નવેમ્બર 11, 2024 2:23 પી એમ(PM)