ઝારખંડમાં આજે પ્રથમ તબક્કામાં 31 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. છેલ્લા અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ 64.86 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.21 ટકા મતદાન લોહરડાગા જિલ્લામાં, જ્યારે સૌથી ઓછું મતદાન હજિરાબાગમાં 59.13 ટકા નોંધાયું હતું.
રાજ્યના 15 જિલ્લાઓમાં 950 મતદાન કેન્દ્રો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. પ્રથમ તબક્કામાં અંદાજે 1 કરોડ 37 લાખ મતદારોએ 73 મહિલા ઉમેદવારો સહિત, 683 ઉમેદવારો માટે મતદાન કર્યું.
રાંચીના અમારા સંવાદદાતા જણાવે છે કે, રાજ્યમાં મુક્ત અને પારદર્શક મતદાન માટે મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોની 200 જેટલી કંપનીઓ તૈનાત કરાઈ હતી. આ ઉપરાંત આસપાસના રાજ્યો સાથેની સરહદો બંધ કરી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સાથેના સરહદીય વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિઓને જોતા સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ સુરક્ષામાં હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા હતા.
Site Admin | નવેમ્બર 13, 2024 7:38 પી એમ(PM)