બ્રાઝિલનાં રિયો ડી જાનેરોમાં યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓનાં ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાંતિ દ્વારા જ સતત વિકાસ અને સમૃધ્ધિ હાંસલ થઈ શકે છે. જી -20 દેશોએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનાં ઉકેલ માટે દ્વિ રાજ્યનું સમર્થન કર્યું છે અને માનવીય સહાયતાનાં પ્રયત્ન વધારવા પર ભાર મૂક્યો છે.
દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટથી અલગ બ્રિટન, ઇટલી, ફ્રાન્સ, નોર્વે, પોર્ટુગલ અને ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. શ્રી મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મેર સાથે ફળદાયી મંત્રણા કરી હતી. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, બંને દેશો આગામી વર્ષોમાં હરિત ઉર્જા, નવીનીકરણ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંસાથે મુલાકાત કરી અને આ વર્ષની શરૂઆતમાં પેરિસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની સફળ યજમાની બદલ તેમની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું, ભારત અનેફ્રાન્સ અવકાશ, ઉર્જા, AI અને આવા અન્ય ભવિષ્યના ક્ષેત્રો સહિતના ક્ષેત્રોમાં કેવી રીતે નજીકથી કામ કરી શકે તેનાં પર ચર્ચા કર હતી.
શ્રી મોદી અને તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે ગાઢ સંબંધો પર ચર્ચા થઈ હતી. શ્રી મોદી તેમના નોર્વેના સમકક્ષ જોનાસ ગહર સ્ટોરને પણ મળ્યા હતા.
બંને નેતાઓએ ખાસ કરીને પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને બ્લુ ઇકોનોમિમાં રાષ્ટ્રો વચ્ચે રોકાણના જોડાણો કેવી રીતે સુધારી શકાય તેનાં વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટો સાથેની બેઠકમાં વેપાર, સલામતી, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનીગ્રો સાથે પણ બેઠક યોજી હતી. દરમિયાન, પ્રધાનમંત્રીએ જી 20માં ભૂખ અને ગરીબી વિરુધ્ધ વૈશ્વિક સંગઠન શરૂ કરવા બદલ બ્રાઝિલની પ્રશંસા કરી છે.
Site Admin | નવેમ્બર 19, 2024 9:38 એ એમ (AM) | જી-20 શિખર સંમેલન