રાજસ્થાનમાં, જયપુરના ભાંકરોટા વિસ્તારમાં આજે સવારે બનેલી ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો છે અને અન્ય 33 લોકો ઘાયલ થયા છે. સવારે ૬ વાગ્યે બનેલી આ ઘટનામાં અજમેર હાઇવે પર રિંગ રોડ પાસે બે ગેસ ટેન્કર અથડાતાં આગ લાગી હતી. અકસ્માતમાં 29 ટ્રક અને 2 સ્લીપર બસ સહિત કુલ 40 વાહનો નાશ પામ્યા હતા. દાઝી જવાથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા.
જયપુરના અમારા સંવાદદાતા જણાવે છે કે, ઘાયલ લોકોને સારવાર માટે SMS હોસ્પિટલમાં ખેસડાયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘાયલોની તબિયત તપાસવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જયપુર પોલીસ દ્વારા અસરગ્રસત પરિવારની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
બીજીતરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી, સાથે જ ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે પણ આ ઘટનાને અત્યંત દુખદ જણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય ને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 2:59 પી એમ(PM)
જયપુરમાં કેમિકલ ભરેલી ટેન્કરના અકસ્માતમાં સાતના મોત. – પીએમ રાહત ફંડમાંથી મૃતકોના વારસદારોને બે લાખની સહાય
