જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25મી સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે.
દરમિયાન, એક અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ભાજપના જમ્મુ કાશ્મીરના મહાસચિવ અશોક કૌલે જણાવ્યું કે, શ્રી મોદી જમ્મુ ડિવિઝનમાં બે અને કાશ્મીરમાં એક રેલીને સંબોધશે. તેમણે જણાવ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહ પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા અને રાજકીય જાહેર સભાઓ સંબોધવા આવતી કાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી શાહ સપ્ટેમ્બરનાં મધ્યમાં પણ જાહેર સભાઓ સંબોધવા કાશ્મીરની મુલાકાતે આવશે.
દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે આ મહિનાની 12મી તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જ્યારે બીજા દિવસે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 16મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે 5મી ઓક્ટોબરે મતદાન થશે અને 8મી ઓક્ટોબરે મતગણતરી યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:27 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર