જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે.
છ જિલ્લાઓની 24 જેટલી બેઠકો પર પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. પછીના બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસે આગામી નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે તેનાં નેતા ગુલામ મોહમ્મદ મીરને ડુરુ વિધાનસભા સીટ પરથી ઉતાર્યા છે, જ્યારે શેખ રિયાઝ ડોડા સીટ પરથી ચૂંટણી લડશે. પ્રદીપ કુમાર ભગત ડોડા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. આ અગાઉ પક્ષે 44 બેઠકોની યાદી જાહેર કરી હતી, જેને બાદમાં પરત ખેંચવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં 87 લાખ 09 હજાર જેટલા મતદારો છે, જેમાંથી 44 લાખ 46 હજાર પુરૂષ, 42 લાખ 62 હજાર મહિલા, 3 લાખ 71 હજાર પ્રથમ વખતના મતદારો અને 20 લાખ 7 હજાર યુવા મતદારો છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં 90 વિધાનસભા મતવિસ્તારોમાંથી, 74 સામાન્ય છે, 7 એસસી ઉમેદવારો માટે અને 9 એસટી ઉમેદવારો માટે અનામત છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:20 એ એમ (AM)