જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.
દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25 સપ્ટેમ્બરે 26 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. આ માટે જમ્મુ વિભાગના રિયાસી, રાજૌરી અને પૂંચ જિલ્લામાં વિધાનસભાની 11 બેઠકની યોજાનારી ચૂંટણી માટે બે પૂર્વ મંત્રી અને 6 ધારાસભ્ય સહિત 22 ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું છે. જમ્મુ કાશ્મીર ભાજપના વડા રવિન્દર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા બેઠકથી આજે તેમનું ઉમેદવારીપત્ર ભરશે.
દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. જ્યારે બીજા દિવસે તેની ચકાસણી હાથ ધરાશે. જ્યારે 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે પાંચ ઑક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 2:44 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર