જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રામ્ય વિસ્તારોમાં છે.વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.આશરે 25 લાખ 78 હજાર મતદારો 239 મતદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તારિક હમીદ કરાહ, જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈના અને અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.રાજ્યમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.પ્રથમ તબક્કામાં આ મહિનાની 18 તારીખે 24 બેઠકો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે 40 બેઠકો પર મતદાન થશે.8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન કરીને લોકશાહીને મજૂબત કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવવા અપીલ કરી છે.દરમિયાન, ચૂંટણીનું નિરીક્ષણ કરવા 15 દેશોનાં વરિષ્ઠ રાજદ્વારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજે કાશ્મીરની મુલાકાતે છે.પ્રતિનિધિમંડળમાં અમેરિકા, મેક્સિકો, ગયાના, દક્ષિણ કોરિયા, સોમાલિયા,પનામા, સિંગાપોર, નાઇજિરીયા, સ્પેન, દક્ષિણ આફ્રિકા, નોર્વે, તાન્ઝાનિયા,રવાન્ડા,અલ્જિરીયા અને ફિલિપાઇન્સનાં રાજદ્વારીનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 1:56 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર | વિધાનસભા ચૂંટણી