ગત રાત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનો શહીદ થયા છે.
આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતાં ગત રાત્રીએ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા જિલ્લામાં ધારી ગોટે ખાતે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓનાં ગોળીબારમાં અધિકારી સહીત પાંચ સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોમાંથી સારવાર દરમિયાન ચાર શહિદ થયા હોવાની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવી છે.
આ અંગે જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહા વીર જવાનોને સોશિયલ મીડિયા ના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડોડામાં ચાલી રહેલી આતંકવાદીઓ સાથેની અથડામણ અંગે સેનાએ પ્રમુખ ઉપેન્દ્ર દ્રિવેદી સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. શ્રી સિંહે જવાનોનાં બલિદાન અંગે શોક વ્યક્ત કરતાં સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવતાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોના પરિવારોની પડખે મજબૂત રીતે ઊભા છીએ. શ્રી સિંહે વધુમાં જણાવ્યું કે, ડોડામાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે, અને ભારતીય સૈનિકો આતંકવાદના સંકટને નાબૂદ કરવા અને પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | જુલાઇ 16, 2024 3:56 પી એમ(PM) | આતંકવાદી | જમ્મુ અને કાશ્મીર