ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮ વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના ૧૩૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૧૩ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૩૦ જળાશયો ૧૦૦ ટકા જેટલા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો ૯૪.૪૦ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૮૨.૯૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૪.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં ૯૫.૬૮ ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં ૯૬.૮૨ ટકા જળસંગ્રહ નોંધાયો હતો.