ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકાર નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાથી કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત પર 15 ટકા વેરો લાદવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલ, કૃષિયંત્રો, પિકઅપ ટ્રક અને મોટા એન્જિનવાળી કાર પર 10 ટકા ડ્યુટી લાદવામાં આવશે. ઉપરાંત ચીને અમેરિકન ટેક કંપની ગુગલ સામે તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી થનારી આયાત પરના ટેરિફને એક મહિના સુધી ટાળવાની જાહેરાત કરી. બંને પડોશી દેશ સરહદ સલામતી પ્રયાસોને મજબૂત બનાવવા સહમત થયા બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ જાહેરાત કરી. જોકે, ચીન સામેનો ટેરિફ વધારો આજથી અમલમાં આવશે.