ચાર દિવસની છઠ પુજાનો આજથી નહાય-ખાયની વિધી સાથે પ્રારંભ થયો છે. ભગવાન સૂર્યની ઉપાસનાનો આ તહેવાર 8 નવેમ્બરે પૂર્ણ થશે. આવતીકાલે મોડી સાંજે ખરના વિધી કરવામાં આવશે. ત્યારબાદ 36 કલાકનાં નિર્જળા ઉપવાસ શરૂ થશે. સાત નવેમ્બરે સાંજે ડૂબતા સૂર્ય અને શુક્રવારે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ મહાપર્વનું સમાપન થશે.
સામાન્ય રીતે પવિત્ર નદીઓ પર સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. વિવિધ સૂર્ય મંદિરો અને છઠ ઘાટો પર પણ અર્ધ્ય આપવામાં આવે છે. બિહારમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઔરંગાબાદના દેવ, પટણાના ઓલાર્ક અને નાલંદા જિલ્લાના ઓંગારી ધામ સૂર્ય મંદિરે પહોંચ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે છઠ પુજાના પ્રસંગે લોકોને શુભકામના પાઠવી છે.
નેપાળમાં પણ છઠના તહેવાર માટે તેરાઈ અને કાઠમંડુ ખીણમાં તળાવો અને નદીના કાંઠાને શણગારવામાં આવી રહ્યા છે. કાઠમંડુ ખીણમાં, બાગમતી નદી પર કમલપોખરી અને ગૌરી ઘાટ છઠ પૂજા કરવા માટે પસંદગીના સ્થળો છે. નેપાળમાં રક્સૌલ બોર્ડર પોઈન્ટ દ્વારા છઠ પૂજા માટે લગભગ 1.7 લાખ કિલોગ્રામ અને જનકપુરના ભીટ્ટા મોડ પોઈન્ટ દ્વારા આશરે 4 હજાર કિલોગ્રામ કેળાની આયાત કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 5, 2024 2:36 પી એમ(PM)