રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિ બદલ આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ ક્રમાંક માટે માતા મૃત્યુદર, 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું રસીકરણ, સંસ્થાકીય પ્રસુતિ, ટીબીના કેસની નોંધણી સહિતના આરોગ્ય અને સુખાકારીના સંદર્ભે 11 જેટલા આરોગ્ય વિષયક માપદંડોની સમીક્ષા કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના એક સંદેશમાં કહ્યું, રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસુતિ તેમ જ બાળકોના સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાના કારણે હાંસલ થયો છે. ઉપરાંત, ચેપી રોગો જેવા કે, ટીબી નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમ જ H.I.V.- એઈડ્સના પ્રસરણમાં મોટા પાયે થયેલા ઘટાડા તથા મેડિકલ અને પેરા-મેડિકલ માનવ બળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:10 પી એમ(PM) | આરોગ્ય