ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો હતો.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે, આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોઇન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તેમણે પૂછેલા ટૂંકી મુદતનાં પ્રશ્નોને રદ કરી દેવામાં આવ્યા છે. આજના સત્રમાં જે બે ટૂંકી મુદતનાં પ્રશ્નો દાખલ કરવામાં આવ્યા તે બંને ભાજપના હતા.
સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કર્યા બાદ તેમને આજનાં દિવસની ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, ગૃહમાં આજે વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી તથા કૉલેજના વિદ્યાર્થીઓને અકસ્માત મૃત્યુ સહાય અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ તાકીદના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ નિયમ 116 અંતર્ગત આણંદમાં ફેક્ટરીમાં આગની ઘટના અંગે, અગ્નિશમન દળના ચાર કર્મચારી દાઝી જવા છતાં ફેક્ટરી સામે પગલા અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત વિવિધ વિભાગોનાં અહેવાલો અને હિસાબો મેજ પર મૂકવામાં આવશે.
આજે વિધાનસભાના અધ્યક્ષ જાહેર હિસાબ સમિતિ તથા પંચાયતની રાજ સમિતિની ખાલી પડેલી જગ્યા અંગેની જાહેરાત કરશે. આવતીકાલે ગૃહમાં ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક તથા ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પર ચર્ચા થશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 3:36 પી એમ(PM) | વિધાનસભા